poems

Pratiksha

પ્રતીક્ષા

કુકરની સીટી સાંભળી

હું ઘરમાં આવી,

ગઇકાલે મચકોડાયેલો પગ

ચાલવામાં વિઘ્નરૂપ બનતો હતો

ગેસ બંધ કર્યો ને

ઇસ્ત્રીવાળા બેનની બૂમ સંભળાઈ

કપડાં લઇ હું ઘરમાં આવી.

પગના કળતરમાં જ રોટલી બનાવી

કામ આટોપી હું હિંચકે બેઠી

ઉદરમાં તો ઉંદરોનું યુધ્ધ હતું જાણે

તોય હું રાહ જોતી એમ જ બેસી રહી

એ આવ્યા!

મેં પાણી આપ્યું

ને એમણે મોં ભીનુ કર્યું

હું ગ્લાસ લઇ રસોડા સુધી પહોંચી

ત્યાં જ એમનો થાકેલો અવાજ

મારા કાને પડ્યો

“આજે જરા વધારે જ ખવાઈ ગયું,

5 સ્ટાર હોટેલ્સની તો વાત જ ઓર હોય છે.”

 

– ધારિણી સોલંકી

 

Story

નિર્ણય

1779775_1488791264681361_198067410_n

‘કદી નહીં….મારા કૃણાલનાં લગ્ન આવી છોકરી સાથે. એ શક્ય જ નથી.’

ગુસ્સામાં પર્સ સોફા પર ફેંકતા અલ્પાએ કહ્યું,

‘વિનોદ તમે શું જોઇને આ છોકરી જોવા જવાનું નક્કી કર્યું હતું. આવી છોકરી? જેણે અગાઉ ભાગીને લગ્ન કર્યા છે. 3 વર્ષમાં જ એનો પતિ એને મુકીને જતો રહ્યો ડિવોર્સ આપી દીધા. તો તો નક્કી આનામાં જ કઇ ખામી હશે. નસીબ છે એનું કે એનાં મા-બાપ એને રાખે છે અને કૃણાલ તે જોઇને?  છોકરી કેટલી શ્યામવર્ણ છે તું ક્યાં અને એ ક્યાં. શું તું આવી છોકરીને તારી જીવનસંગીની બનાવીશ? અને મગનકાકાને પણ વિચાર ન આવ્યો આવી છોકરી બતાવતા. મારા દિકરામાં કંઇ ખામી છે તો મારે આવી છોકરી સાથે પરણાવવાનો.’
‘અલ્પા આમાં મગનકાકાનો કોઇ વાંક નથી.’

વિનોદે પાંણીનો ગ્લાસ ડાઇનિંગ ટેબલ પર મુકતા કહ્યું. ‘મેં જ સંમતિ દર્શાવી હતી આ વાત માટે. મને ખબર હતી કે તું આ વાત માટે કદી તૈયાર નહી થાય એટલે જ મેં પહેલાં તને કે કૃણાલને આ વાત ના જણાવી. પણ મગનકાકાના દીકરા રોહનનાં લગ્નમાં આ છોકરીને આપણે જોઇ હતી. કદાચ તમે લોકોએ તો એ નોટીસ નહોતું કર્યું પણ મેં જરૂર કર્યુ હતું. કેટલી સુંદર રીતે એણે લગ્નપ્રસંગના દરેક કામકાજ સંભાળી લીધા હતાં. શું ત્યાંથી તને નથી જણાતું કે આ છોકરી આપણા ઘર માટે યોગ્ય છે.’
‘વિનોદ તમને એવો વિચાર શુધ્ધા ન આવ્યો કે સમાજમાં આપણું કેટલું માન છે કેટલી પ્રતિષ્ડા છે. ક્યારેય વિચાર્યું છે કે સમાજ શું કહેશે. લોકો મુર્ખ સમજશે મુર્ખ. લોકો વિચારશે બસ બિઝનેસમાં જ તમે જિંદગી જીવી શું ક્યાંય સારું માંગુ નહોતું મળતું તો આમા પડ્યા. એ પણ એક નો એક દિકરો છે તો પણ. આ કૃણાલનાં જીવનનો સવાલ છે વિનોદ.’
સવાર સવારમાં માની જે બંગડીઓનો અને પગની પાયલનો મધુર રણકાર ઘરનાં ખૂણે-ખૂણે આનંદ ફેલાવતો હતો એ જ રણકાર કૃણાલને પળવાર તો ઘરમાં થઇ રહેલા કંકાસમાં સુર પૂરાવતો હોય એવો લાગવા લાગ્યો.
પોતે પણ અવઢવમાં મુકાયો હતો. “શું નિર્ણય લઉં? શું આવી વ્યક્તિને જીવનસાથી તરીકે પસંદ કરવી કેટલું યોગ્ય હશે? એ વિશ્વાસનીય હશે કે નહી? અને જો મારો ભુતકાળ આવો હોત તો? શું મને પણ નવેસરથી જીંદગી જીવવાનો કોઇ અધીકાર ના હોત?”
વારંવાર નૈનાનાં શબ્દો તેનાં મનનાં દ્વાર ખટખટાવતા હતાં. “હું ભુતકાળ ભુલીને એક નવી જીંદગી જીવવા માંગુ છું. મારા વર્તમાનમાં હવે ભુતકાળને કોઈ સ્થાન નથી.”
વિનોદે અલ્પાનો હાથ પકડી કહ્યું, ‘અલ્પા સમાજ શું કહેશે. આપણને મુર્ખ સમજશે. આવા ખોખલા વિચારોમાં પડ્યા કરતાં ફક્ત માણસ થઇને વિચારી જો. જરા વિચાર તો કર. ભુલ બધાંથી થાય છે અને એ છોકરી. નૈના. એણે તો પૂરેપુરો પ્રયાસ કર્યો હતો પોતાનો ઘરસંસાર વસાવવાનો. એના પતિએ એને દગો કર્યો હતો એણે નહી. એ તો સંપૂર્ણપણે વફાદાર હતી. જો એ એવા વ્યક્તિને વફાદાર રહી શકે છે તો વિચાર કર આપણા કૃણાલને તો એ કેટલો પ્રેમ કરશે.’
‘પણ વિનોદ આપણે કૃણાલની પણ મરજી જાણવી જોઇએ. કૃણાલ તારી શું ઇચ્છા છે? શું તું આ લગ્ન માટે રાજી છે?’
‘કૃણાલ……. કૃણાલ……દિકરા શું વિચારે છે?’
કૃણાલે અચાનક સોફા પરથી ઊભા થઇ અલ્પાનાં હાથની બંગડીઓ પર હાથ ફેરવ્યો, પગની પાયલ પર નજર કરી કહ્યું “ચાલ મમ્મી નૈના માટે પણ આવી જ બંગડીઓ અને પાયલ લઇ આવીએ. ”

– ધારિણી સોલંકી

Story

પિયુ જસ્ટ ચિલ

અરે પિયુ કેમ આટલી અધીરી થાય છે. થોડીક તો ધીરજ રાખ.’

સવાર સવારમાં છાપું ખોલતા તરુણે પ્રિયાને કહ્યું, ‘કોઈપણ વ્યક્તિનો ગુસ્સો આટલી જલદી શાંત થઈ જાય? આટલું જલદી બધું ભૂલી જાય એ કેવી રીતે શક્ય છે. થોડોક તો સમય લાગે ને!’

‘પણ તરુણ આજે ત્રણ ત્રણ દિવસ થયા એ વાતને.’ પ્રિયાએ કહ્યું,

‘હજુ કેટલો સમય. ત્રણ ત્રણ દિવસ થઈ ગયા તો પણ પપ્પા હજુ એ વાત ભૂલ્યા નથી. પિન્કી સિવાય કોઈની સાથે વ્યવસ્થિત વાત પણ નથી કરતા. ગીલ્ટ થયા કરે છે એ વાતની. કેમ મેં ધ્યાન ના રાખ્યું ખબર હતી મને કે પપ્પાને એ કપ એ મગ કેટલો પ્રિય છે ઉતાવળી થઈને હું વાસણ ધોતી હતી પછી તૂટી જ જાયને. પપ્પા એક શબ્દ પણ બોલ્યા નથી પણ એમની નારાજગી સીધી જોઈ શકાય છે.’

‘પિયુ જસ્ટ ચિલ. તેં જાણી જોઈને થોડી તોડ્યો છે આટલું ના વિચાર. ચાલ પિન્કીને રેડી કર એક તો કેમ આ શનિવારે પિન્કીને મોર્નિંગ સ્કૂલ હોય છે. રોજની જેમ નુન કેમ નથી હોતી.’

                                  *

અચાનક ડ્રોઈંગ રૂમનો દરવાજો ખોલી પિન્કી ‘દાદુ… દાદુ… ‘ કરતી સુબોધભાઈને વળગી પડી અને સુબોધભાઈના હાથમાંથી રીમોટ લેતાં બોલી, ‘દાદુ મારે છોટા ભીમ જોવું છે.’

‘લો શરૂ આવતાંની સાથે!  પહેલાં જમી તો લે દીકરા, દાદાને પણ ન્યુઝ જોવાં હોય ને.’

પ્રિયાએ એક્ટિવાની ચાવી અને સ્કૂલબેગ ટેબલ પર મૂકતાં કહ્યું,

‘છોટા ભીમ જોઈને ભીમ જેવી જ થઈ જવાની છે.’

‘હા ભલે.’

છ: વર્ષની પિન્કીએ દાદાના ખોળામાં ગોઠવાતાં પ્રિયાને જવાબ આપ્યો.

‘અરે દાદુ તમારા માટે એક સરપ્રાઈઝ છે વેઈટ મમ્મીની બેગમાં છે લાવું.’

‘જુઓ આ રહ્યું તમારું સરપ્રાઈઝ’

 પિન્કી એ સુબોધભાઇના હાથમાં કપ આપતાં કહ્યું.

સુબોધભાઇએ ચારે બાજુએથી કપ જોઇ ટેબલ પર મૂક્યો. પ્રિયા જરા વિમાસણમાં પડી ગઇ તેણે તરત પૂછ્યું,

‘પપ્પા શું થયું ના ગમ્યો કપ?’
સુબોધભાઇ કંઈપણ બોલે તે પહેલાં જ પિન્કી બોલી,

‘અરે દાદુ આ ના ગમે તો મારો ડોરેમોન વાળો કપ લઈ લેજો.’

સુબોધભાઇ હળવું સ્મિત કરતાં પિન્કીને જોઇ રહ્યાં. પણ પ્રિયા ને હજુ પણ તેનો જવાબ મળ્યો નહોતો. તે ત્યાંથી ચાલી ગઈ. આજે પણ સુબોધભાઇએ ખાધું ના ખાધું ને બેડરૂમમાં જઇને સૂઇ ગયા.

                                  *

સાંજના છ વાગ્યા હતા. સુબોધ મહેતા લાકડીના ટેકે ધીમે ધીમે ડાઈનીંગ ટેબલ સુધી આવ્યા. પ્રિયાએ થોડી અસમંજસમાં કોફી આપી. સુબોધભાઈ એક પળ કપ જોઈ રહ્યા પણ બીજી પળે ચૂપચાપ કોફી પી લીધી. વળી વળીને, તેનું મન કપમાં જઈ અટવાતું હતું. ત્યાં જ સુબોધભાઈ બોલ્યા,

 ‘વહુ બેટા યાદ છે તમને? રીટાયરમેન્ટ પછીનો મારો ઘરમાં પ્રથમ દિવસ હતો અને બહાર લોનમાં હીંચકા પર બેસી હું છાપું વાંચતો હતો અને વનિતા અચાનક એ કપમાં કોફી લઈને આવી હતી. ત્યારથી તો જાણે એ કપમાં જ કોફી પીવાની આદત પડી ગઈ હતી. રોજની એ એક કપ કૉફી જાણે આખા દીવસનું રીફ્રેશમેન્ટ હતું. તમારા મમ્મીની ભેટ આપવાની અનોખી રીત મને બહું ગમતી. એને સરપ્રાઈઝ આપવું બહુ ગમતું અને બદલામાં હું શું કરતો સરપ્રાઈઝ આપવાને બદલે એને જ ભેટ ખરીદવા લઈ જતો. એકવાર તો એણે કહ્યું હતું, “મને લઈ જવી જરૂરી છે? ક્યારેક તો તમારી પસંદની સાડી લઈ દો.” પણ હું ના માનતો અને એને સાથે લઈ જતો. સાચું કહું બેટા મને ડર લાગતો હતો. શોપીંગની એટલી સમજ નથી અને લઈ આવીશ અને તેને નહી ગમે તો!’

આ સાંભળતા સાંભળતા પ્રિયાના ધબકારા વધી ગયા. એક વાતની અંદરોઅંદર હાશ થઈ હતી કે સુબોધભાઈએ ત્રણ દિવસે આ બાબતે મૌન તોડ્યું, છાપુ લઈ હીંચકા તરફ જતાં સુબોધભાઈને પ્રિયા મૌન રહી નિહાળી રહી.

છાપામાં એક સમાચારે સુબોધભાઈનું ધ્યાન ખેંચ્યું, ‘દીકરાએ મિલકત પચાવી પાડતા મા થઈ નિરાધાર. ન્યાય મેળવવા પહોંચી કોર્ટને શરણે.’ એક પળ સુબોધભાઈને થઈ ગયું  ‘મારો તરુણ આવો નથી સારું છે.’

સાંજની રસોઈમાં પરાણે પરોવાતું પ્રિયાનું મન વારંવાર સુબોધભાઈના એ કપમાં જઈ અટવાતું હતું.

‘ક્યાં સુધી આમ રહેવાનું તરુણ તો ઓફીસ જતો રહે છે અને પિન્કી સ્કૂલે. રહ્યા ઘરમાં અમે બંને તો આમ કેમનું રહેવાય ગમે તે થાય આજે તો પપ્પાને કહી દઉં નથી મારાથી આ અબોલા નથી સહન થતા મને માફ કરી દો.’

ગેસ બંધ કરી પ્રિયા બહાર લોનમાં ગઈ. ખાલી હીંચકો પવનનાં વેગે ધીમો ધીમો ઝૂલતો હતો. પ્રિયા સુબોધભાઈના બેડરૂમ તરફ ગઈ દરવાજો અડધો ખૂલ્લો હતો.

‘પપ્પા.. પપ્પા..’

પ્રિયા અંદર પ્રવેશી પણ વિખરાયેલી પથારી સિવાય કંઈ નહોતું. પ્રિયા આમતેમ ઘરમાં જોવા લાગી. સુબોધભાઈ ક્યાંય ન મળ્યા.

‘પિન્કી દાદુને જોયા ક્યાંય?’

‘ના મમ્મી હું તો ડ્રોઈંગ કરુ છું મને શું ખબર.’

ડોરબેલનો અવાજ સાંભળી પ્રિયાએ દરવાજો ખોલ્યો.

‘તરુણ, સારું થયુ તું આવી ગયો. જોને પપ્પા ક્યાંય નથી.’

‘કેમ અચાનક શું થયું?  જો ઘરમાં બરોબર; એ જાય ક્યાં? અહીંયા જ હશે.’
‘ક્યાંય નથી મેં બધે જોઈ લીધું.’

‘તરુણ, હું કહેતી હતી ને મારા હાથે એ કપ તૂટ્યો છે ત્યારનું એમનું મન વ્યાકુળ હતુ.’

‘મંદિરે જોઈ આવું છું. શી ખબર ત્યાં ગયા હોય તો.’

પ્રિયા વધુ કંઈ બોલે તે પહેલાં જ દરવાજે લાકડી અથડાવાનો અવાજ આવ્યો અને સુબોધભાઈ પ્લાસ્ટિકની નાની થેલી લઈ ઘરમાં પ્રવેશ્યા. એ જોઈ તરુણ ગુસ્સામાં બોલવા જતો હતો પણ પ્રિયાએ તરુણનો હાથ દાબ્યો.

તરુણે ગુસ્સા પર કાબુ કરતાં સુબોધભાઈને પૂછ્યું, ‘પપ્પા ક્યાં ગયા હતા. ખબર નથી પડતી. પ્રિયા કેટલી ચિંતા કરતી હતી. ઘરમાં જણાવીને તો જાવ. અમે બધાં ક્યારનાં શોધીએ છીએ તમને.’

સુબોધભાઈએ પ્લાસ્ટિકની થેલીમાંથી નાનું બોક્સ કાઢી પ્રિયાનાં હાથમાં મુકી કહ્યું,

‘બેટા આ તમારા અને તરુણ માટે કપ છે. હવેથી રોજ તમે બંને આમાં જ ચા પીજો. હા, પણ અત્યારે તો મને એક કપ કૉફી આપજો પેલા નવા કપમાં.’

પ્રિયા સુબોધભાઈને ભેટી ધ્રુસકે ધ્રુસકે રડી પડી.

ધારિણી સોલંકી

poems

Poem by Gulzar

खाली कागज़ पे क्या तलाश करते हो?

एक ख़ामोश-सा जवाब तो है।

डाक से आया है तो कुछ कहा होगा

“कोई वादा नहीं… लेकिन

देखें कल वक्त क्या तहरीर करता है!”

या कहा हो कि… “खाली हो चुकी हूँ मैं

अब तुम्हें देने को बचा क्या है?”

सामने रख के देखते हो जब

सर पे लहराता शाख का साया

हाथ हिलाता है जाने क्यों?

कह रहा हो शायद वो…

“धूप से उठके दूर छाँव में बैठो!”

सामने रौशनी के रख के देखो तो

सूखे पानी की कुछ लकीरें बहती हैं

“इक ज़मीं दोज़ दरया, याद हो शायद

शहरे मोहनजोदरो से गुज़रता था!”

उसने भी वक्त के हवाले से

उसमें कोई इशारा रखा हो… या

उसने शायद तुम्हारा खत पाकर

सिर्फ इतना कहा कि, लाजवाब हूँ मैं !

-Gulzar

poems

Poem by Gulzar

 

 

 

बस एक चुप सी लगी है, नहीं उदास नहीं!

कहीं पे सांस रुकी है!

नहीं उदास नहीं, बस एक चुप सी लगी है!!

कोई अनोखी नहीं, ऐसी ज़िन्दगी लेकिन!

खूब न हो, मिली जो खूब मिली है!

नहीं उदास नहीं, बस एक चुप सी लगी है!!

सहर भी ये रात भी, दोपहर भी मिली लेकिन!

हमीने शाम चुनी, हमीने शाम चुनी है!

नहीं उदास नहीं, बस एक चुप सी लगी है!!

वो दासतां जो, हमने कही भी, हमने लिखी!

आज वो खुद से सुनी है!

नहीं उदास नहीं, बस एक चुप सी लगी है!!

-गुलज़ार

poems

મારાં સપના

મારાં સપના
તારાં સપના જેટલાં
મોટાં નથી
તું મને
જે બતાવે છે
એમાંથી કેટલુંક
મેં મારી હથેળીની
બંધ મુઠ્ઠીમાં
સાચવી રાખ્યું છે
એ મુઠ્ઠી ખોલવાનો
હજુ સમય નથી
પણ
એક દિવસ
એ જરૂર ખુલશે
જ્યારે
તારી હથેળીનો સ્પર્શ
ત્યાં ઘર કરી જશે
સદાને માટે   …………ધારિણી સોલંકી 

સપનાં શ્વાસ જેટલા જ સત્ય છે અને શ્વાસ જેટલા જ અવિશ્વસનીય ! એનો સાથ સુખને હિલોળે ચડાવી શકે પણ એ ક્યારે સરકી જાય અને દગો દઈ દે એનો કોઈ ભરોસો નહીં ! સપનાં જોવાનો અને સિદ્ધ કરવાનો સૌને અધિકાર છે  પણ અબ્દુલ કલામ, કલ્પના ચાવલા કે મેરીકોમ ટોળામાં નથી મળતા. હા, એવું સપનું જોવાનું સપનું સૌ કોઈ સેવી શકે કેમ કે એ ઊઘડતી સવારનું હતું, ઝળહળતી બપોર લાવવાનું સપનું હતું બાકી સપનું તો હિટલરેય જોયું હશે જેને માનવજાત ભૂલાવવાનો પ્રયાસ કરતાં કરતાં થાકી જશે !
કોઈ માનવી સપનાથી વંચિત નથી. ઇચ્છાઓના આક્રમણથી કોઈ બચી શકતું નથી. ગમતાનો સંગાથ સૌ કોઈ ઇચ્છે છે. એમાંય વ્યક્તિ જ્યારે પ્રેમમાં પડે છે ત્યારે સપનાંઓની વણઝાર શરૂ થઈ જાય છે. એકમેકનો સાથ નવી દુનિયાને જન્માવે છે. ‘તેરે-મેરે સપને’નો પ્રેમમાં નવો અધ્યાય જન્મે છે. અલગ અલગ રંગોમાંથી એક રંગ બનવાની મીઠી પ્રક્રિયા શરૂ થાય છે. કોઈક છવાઈ જાય છે, કોઈકને છુપાવું ગમે છે, જે આખરે હૂંફાળા સહઅસ્તિત્વનો સહિયારો પ્રયાસ હોય છે.  બે હાથ આમ તો માણસને જીવવા માટે પૂરતા છે પણ ઝઝૂમવા માટે બીજા બે હાથનો સાથ ઉત્સાહ પેદા કરે છે. હથેળીઓની હૂંફ રોમેરોમમાં નવો સંચાર જગાવે છે.
દરેકની હથેળીમાં પોતાનું આકાશ છે. હથેળીમાં અંકાયેલી રેખાઓમાં કેટકેટલા મેઘધનુષ રચાતા હોય છે. અલબત્ત સૌની આંખના સપના એના પોતાના માપના હોય છે પણ સંપૂર્ણ હોય છે. સપનાની સરખામણી હોય શકે નહી તોય અહી નાયિકા કહી બેસે છે, “મારાં સપના, તારાં સપના જેટલાં મોટા નથી.” સમર્પણ અને સ્વીકાર એ સ્ત્રીનું  સ્વભાવગત સૌંદર્ય છે. સંબંધમાં ધીરજ એ પણ સ્ત્રીની પ્રકૃતિગત ઊર્જા છે. આમ ન હોત તો ગર્ભધારણથી માંડીને પાંખો આવવા સુધી એ બાળકનું જતન કેમ કરીને કરત ! એટલે જ હથેળીની સીલવટોમાં નાયિકા ઘણું સંતાડીને રાખે છે. ધીરજ ધરીને બેઠી છે, કોઈના સ્પર્શના સાકાર થવાની ઘડી સુધી. એ અંતિમ પડાવ છે, મનચાહી મંઝિલ છે.

સમય ક્ષણમાં પૂરો થાય છે ને સદીમાંય બંધાતો નથી. સમય સાપેક્ષ છે, એનો પોતાનો અંદાજ  છે. પ્રિયની ઝંખના સમયને બાથમાં લઈને બેસે છે. પ્રિયનું મિલન સમયના સીમાડાઓ અનંત સુધી વિસ્તારી દે છે અને ત્યારે  આખેઆખું આકાશ ચૂપચાપ આવીને હથેળીમાં બેસી જાય છે. એક હૂંફનો ઘૂઘવતો દરિયો હસ્તરેખાઓને બે કાંઠે છલકાવી દે છે. હૈયામાં સંપૂર્ણતાનો સાગર સમાઈ જાય છે. જીવનને અનુભવનાર કહેશે, આ પણ એક સપનું નથી !  ખરી વાત છે, જીવન આખું સપના જોયા જ કરવાના છે …. નિત નવા, એક પછી એક…. એક દોડ જે હાંફયા વગર કે હાંફીને શ્વાસ અટકે ત્યાં સુધી જીવવાની છે….

લતા હિરાણી

poems

  કોરુ પાનું

ક્યારેક સળવળતુ

મારી ભીતર

ક્યારેક અશ્રુ બની

આંખે ચડતુ

સતત મને વીંધતુ

ક્યારેક પથારીના

 સળમાં

ક્યારેક મારામાં

 સંગ્રહી રાખેલા

તારા સ્પર્શમાં

 તારા શ્વાસની

 સુગંધમાં

રોજ મને ડંખતુ

અસ્તિત્વનું એક

 કોરુ પાનું

ધારિણી સોલંકી